બાળગીતો- બાળ કાવ્યો

એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ

 – રમેશ પારેખ

મને કહોને-પ્રીતમલાલ મઝમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને

આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? … મને કહોને

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? … મને કહોને

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? … મને કહોને

મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે ? … મને કહોને

– પ્રીતમલાલ મઝમુદાર
http://jagruti.wordpress.com/2008/01/16/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%87-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4%e0%aa%ae%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%aa%9d%e0%aa%ae%e0%ab%81/

દરિયાને તીર એક રેતીની ઓટલી-સુંદરમ
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

http://drmanwish.wordpress.com/2008/03/20/%e0%aa%a6%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b0-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b0%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%93%e0%aa%9f%e0%aa%b2/

વારતા રે વારતા

વારતા રે વારતા,

ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાંને સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરરર….માડી!

– અજ્ઞાત

http://jagruti.wordpress.com/2007/11/02/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/

મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,

એ હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે,

દૂધ ખાય, દહીં ખાય,
ઘી તો ચપચપ ચાટી જાય,

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.

– ત્રિભુવન વ્યાસ
http://jagruti.wordpress.com/2007/10/31/%e0%aa%ae%e0%ab%87%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%a1%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%9b%e0%ab%87/

એ તો કેવી અજબ જેવી વાત છે!

એ તો કેવી અજબ જેવી વાત છે!
નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાનું મોઢું મારું, એ બોલે સારું સારું….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ….એ તો કેવી અજબ જેવી વાત છે!
પગ મારા નાના, એ ચાલે છાનામાના….એ તો કેવી અજબ જેવી વાત છે!
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી….એ તો કેવી અજબ જેવી વાત છે!

– ઉપેન્દ્ર ભગવાન
http://jagruti.wordpress.com/2007/10/06/%e0%aa%8f-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%95%e0%ab%87%e0%aa%b5%e0%ab%80-%e0%aa%85%e0%aa%9c%e0%aa%ac-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%9b%e0%ab%87/

મંદિર તારું વિશ્વરૂપાળું…..

મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.
નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું કયાં છુપાયો, શોધે બાળ અધીરા રે.

– જયંતીલાલ આચાર્ય
http://jagruti.wordpress.com/2007/09/14/149/

પંખી

પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઊડ્યા કરું, બસ! ઊડ્યા કરું,
બસ! ઊડ્યા કરું!
ઘડિયાળમાં દસ વાગ્યા, મમ્મી ખોળવાને આવે,
પપ્પા ખોળવાને આવે, એશુ કયાં? એશુ કયાં?
પેલા ડુંગરાની ટોચે, મારી પાંખ જઈને પહોંચે!
મમ્મી ઢીંગલી જેવી! પપ્પા ઢીંગલા જેવા!

– પિનાકીન ત્રિવેદી
http://jagruti.wordpress.com/2007/09/03/%e0%aa%aa%e0%aa%82%e0%aa%96%e0%ab%80/


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.